Kora-Cut (કોરા કટ): મસ્ત સવાલોના અલમસ્ત જવાબો
કોઈ મને ઢંગનો સવાલ પૂછે તો અલબત્ત ગમે. પણ ક્યારેક કોઈ મને કઢંગો લાગે એવો સવાલ કરે તો વધારે ગમે. કારણકે એમાં જ મને ક્રિયેટિવિટી વધું વાપરવાની તક મળે છે. ને પછી એવો જ ઢંગબેરંગી જવાબ આપવાની પણ મજા આવે છે.
દા.ત. થોડાં દિવસો પહેલા એક દોસ્તે મને મિટિંગ દરમિયાન પૂછ્યું:
"મુર્તુજાભ'ઇ, કોકની અક્કલ ઠેકાણે લાવવાનો અક્સિર ઉપાય શું છે?" - હવે આવો સવાલ કરે ત્યારે થોડીક વાર તો થઇ જ આવે કે 'લાવ ભૈ, પહેલા તારી ઠેકાણે લાવી આપું? પણ પછી મેં શાંતિથી રિપ્લાય આપ્યો: "જેની લાવવાની હોય તેના 'ઠેકાણાથી જ દૂર થઇ જવું."
તો કોઈક દોસ્તે ફોન પર સવાલ ફટકાર્યો:
"તમારી સૌથી જોરદાર સલાહ કઈ છે?"- કાચી સેકન્ડ્સમાં મારાથી જવાબ અપાઈ ગયો: "અકારણ ક્યારેય કોઈને 'જોરદાર સલાહ' ન આપવી. બસ એ જ મારી જોરદાર સલાહ સમજવી."
તો હવે તમે સમજી શકો છો કે એક માર્કેટિંગ આઈડિયા-કોચ તરીકે મને ખુદને (લા)જવાબ આપવા માટે જ નહિ, પણ હટકે સવાલ કરવા કે જાણવા સતત વાંચતા અને (જવાબો પણ) લખતા રહેવું પડે છે.
સોશિયલ મીડિયાના આ જમાનામાં વિવિધ મીડિયા પ્લેટફોર્મ્સ પર દરેકને ખુલીને વાત કરવાની તકો મળે જ છે. પણ સાથે સાથે ખુદની અંદર રહેલી પ્રતિભા, સ્કિલ્સ અને આવડતને ખીલવવાની પણ અઢળક તકો મળે છે. ઉપરાંત એ આવડત ખરેખર કુદરતી બક્ષીશ રૂપે મળી છે કે પછી બીજાંની દેખાદેખીથી કરવામાં આવેલી છે, તેનો લિટ્મસ ટેસ્ટ પણ થઇ શકે છે.
ક્વોરા.કોમ (Quora.com) પણ એક એવું જ ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ છે, જેમાં લોકો દ્વારા વિવિધ વિષયો પરના સવાલ-જવાબોનો મસાલો ભભરાવવામાં આવતો હોય છે. જ્યાં જ્ઞાનપિપાસુ અને માહિતીવાંછુ લોકો પ્લાઝમાથી લઇ પ્લેનેટ્સ, અમિબાથી લઇ અનંત બ્રહ્માંડ સુધી આવરી લેવાતાં અઢળક વિષયોમાંથી ઉદ્ધભવતાં સવાલો પૂછી અંદરોઅંદર જ જવાબો મેળવતાં રહે છે.
તો હવે તમે (ક્રિકેટની પેલી ડકવર્થ-લુઈસ પદ્ધતિની જેમ કન્ફ્યુઝડ બની) કોઈ સબ્જેક્ટ પરત્વે કાંઈક જિજ્ઞાસા સંતોષવા માંગતા હોવ તો તમેય સાદી ભાષામાં સવાલ પૂછીને એકથી વધું જવાબો પણ મેળવી શકો છો.
તેનાથી ફાયદો એ થાય છે, કે સવાલ પૂછનાર તેનું જ્ઞાન-સ્તર જાણી શકે છે અને જવાબ આપનાર તેની અંદર રહેલી માહિતી કે જ્ઞાન તેની ભાષામાં પીરસી શકે છે. તે સાથે તેની લેખન-વૃત્તિ કે સમજણ-વૃત્તિ બરોબર કેળવાઈ છે તેનું ‘ટેસ્ટિંગ’ તેના જવાબને મળતાં અપવોટ્સ (લાઇક્સ) દ્વારા કરી શકે છે.
આ રીતે આપનાર અને મેળવનાર એક જ મંચ પર ક્રિયેટિવિટીનો ઉપયોગ કરી સવાલ-જવાબોનું એક્સચેન્જ આસાનીથી કરી શકે છે.
તો હવે સીધું સમજી શકાય કે બંદાને પણ સવાલો જાણવા અને જવાબો માણવા આ પ્લેટફૉર્મે અંદર રહેલા લેખકને જગાવવામાં કેટલી મદદ કરી હશે?!
ક્વોરા-કટ ઈ-પુસ્તક મને ત્યાં પૂછાયેલાં અઢળક સવાલોના અપાયેલાં જવાબોનું એક કલેક્શન-પૅક રૂપે જન્મ્યું છે. જેમાં મેં મારા અનુભવોના લોટમાં મનમૌજી સ્વભાવ, ટીખળવૃત્તિ અને ક્રિયેટિવિટીનું મોંણ નાખી મસ્તી-મજેદાર માહિતી તેમજ જ્ઞાનના રોટલાં ઘડી મૂક્યાં છે. જેનો વધુ એક નમૂનો…
સવાલ: કોઈ વ્યક્તિને આપી શકાય, તેવી સૌથી ખરાબ સલાહ કઈ છે?
જવાબ: "તેલ લેવા જા !"
માત્ર સીધી રીતે કે ગંભીર રહીને નહિ, પણ ક્યાંક આડા પડીને, થોડાંક ત્રાંસા બનીને, ક્યાંક ગૂઢ રહસ્ય બનીને, તો ક્યારેક હળવાં હાસ્ય સાથે જવાબો આપ્યાં છે. જેમ કે…
સવાલ: ચંપલ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ?
જવાબ: જોરથી વાગે તો પુલ્લિંગ અને ધીરેથી વાગે તો સ્ત્રીલિંગ.
ઉદ્દેશ્ય બસ ! એટલો જ કે કાંઈક નવું જાણવા- જણાવવા- માણવા- મનાવવા માટે અવનવાં શબ્દો-વિચારો અને આઈડિયાઝનો ઉપયોગ કરવો. જેથી સૌનો સાથ સૌનો વ્યક્તિગત વિકાસ મોજ સાથે થાય.
તો હવે તમે આગળ કોઈ સવાલ કરો એ પહેલા જ સરળ શબ્દોમાં કહી દઉંને કે: ડાઉનલોડ કરી દો.
PDF Book